
ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના રાજ્યો ગુજરાતના મોડેલથી પ્રેરાયા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 (NEP-2020)ના અસરકારક અમલીકરણમાં ગુજરાતે વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક (Holistic Progress Card-HPC) અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને NCERT-PARAKH દ્વારા બિરદાવવામાં આવી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત- મોડેલનો અભ્યાસમાં રુચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા.
NEP-2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે. HPC હેઠળ વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શન સાથે સર્જનાત્મકતા, જીવનમૂલ્યો, સંવાદ કૌશલ્ય, રમતગમત, કલા, સામાજિક અને ભાવનાત્મક વિકાસ સહિત 360 ડિગ્રી સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ પ્રક્રિયામાં વિદ્યાર્થી, શિક્ષક, વાલી અને સહાધ્યાયીનું પણ યોગદાન રહેશે.
રાજ્ય સરકારે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા પરંપરાગત પ્રિન્ટેડ પ્રોગ્રેસ કાર્ડને બદલે સંપૂર્ણ ડિજિટલ HPC સિસ્ટમ વિકસાવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે SSAના સહયોગથી ઓનલાઈન મોડ્યુલ તૈયાર કર્યું છે, જેના માધ્યમથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી દાખલ કરી શકશે.
શૈક્ષણિક વર્ષ 226-27થી રાજ્યના દરેક જિલ્લામાં પસંદગીની 10 ટકા સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પાયલોટ ધોરણે HPCનો અમલ શરૂ કરવામાં આવશે. રાજ્યભરમાં શિક્ષકોને તાલીમ આપવા ઝોન-વાઈઝ વર્કશોપ પણ યોજાયા છે.
PARAKH-NCERTના CEO ડૉ. ઈન્દિરાણી ભાદુરીએ ગુજરાતની આ પહેલને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ગણાવી અભિનંદન પાઠવ્યા છે. અન્ય રાજ્યોના શિક્ષણ બોર્ડના પ્રતિનિધિઓએ પણ ગુજરાતના ડિજિટલ HPC મોડેલને ઉત્તમ પહેલ ગણાવી છે.




