ટોચના સમાચારદેશ

7 વર્ષથી USમાં રહેતાં ઈલીગલ ઈમિગ્રન્ટ્સને ગ્રીન કાર્ડ આપવાની માગ

કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એલેક્સ પાડિલાએ ગયા વર્ષે રજૂ કરેલું બિલ રિઈન્ટ્રોડ્યૂસ કર્યું

અમેરિકામાં લોકો ગ્રીન કાર્ડની રાહ જોવામાં આખી જિંદગી કાઢી નાખતા હોય છે તેવામાં કેલિફોર્નિયાના ડેમોક્રેટિક સેનેટર એલેક્સ પાડિલાએ સાત વર્ષથી યુએસમાં રહેતા હોય તેમને ગ્રીન કાર્ડ માટે એલિજિબલ ગણવા પોતાનું જૂનું બિલ ફરી રજૂ કર્યું છે. આ બિલને અગાઉ 2025માં રજૂ કરાયું હતું જે આગળ નહોતું વધી શક્યું. તેને રિ-ઈન્ટ્રોડ્યૂસ કરનારા સેનેટરનું કહેવું છે કે જે લોકોએ પોતાની લાઈફ અમેરિકામાં બનાવી છે, દેશની ઈકોનોમીમાં પ્રદાન આપ્યું છે અને જેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી તેમને અહીં જ રહેવાનો ચાન્સ મળવો જોઈએ.

સેનેટર એલેક્સ પાડિલાએ એક્સ પર જણાવ્યું હતું કે ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટિફન મિલરની ઈમિગ્રેશન પોલિસીને કારણે પરિવારો એકબીજાથી અલગ થઈ રહ્યા છે, બાળકોને ડિટેન્શન સેન્ટરમાં પૂરવામાં આવ્યા છે તેમજ ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ સ્થિતિમાં અમેરિકામાં મહેનત-મજૂરી કરતા ઈમિગ્રન્ટ્સને બલિના બકરા બનાવવાને બદલે તેઓ સમ્માન સાથે જીવી શકે તે સુનિશ્ચિત કરવા કાયદામાં ફેરફાર કરવા જોઈએ.

અમેરિકાએ છેલ્લે 1986માં ઈમિગ્રેશન લૉના રજિસ્ટરી પ્રોવિઝનમાં સુધારો કરી જાન્યુઆરી 01, 1972થી પહેલા અમેરિકા આવ્યા હોય અને કોઈ સ્ટેટસ વિના રહેતા હોય તેમજ ક્રિમિનલ રેકોર્ડ ના હોય તેવા લોકોને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવાની છૂટ આપી હતી. સેનેટર એલેક્સ પાડિલાએ જે બિલ રજૂ કર્યું છે તેમાં રજિસ્ટરી પ્રોવિઝનની કટ-ઓફ ડેટને બદલે કોઈપણ સ્ટેટસ પર સાત વર્ષથી અમેરિકામાં રહેતા હોય તેવા તમામ લોકોને ગ્રીન કાર્ડ માટે એલિજિબલ ગણવાની દરખાસ્ત છે.

આ બિલમાં જે મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં સાત વર્ષના સ્ટે ઉપરાંત રજિસ્ટરી રિક્વાયર્મેન્ટને પૂરી કરતા હોય, કોઈ ડિસ્ક્વોલિફાઈંગ ક્રિમિનલ રેકોર્ડ ના હોય તેમજ ઈમિગ્રેશન લૉ હેઠળ એડમિસેબલ હોય તેવા લોકોને ગ્રીન કાર્ડ આપવાની વાત કરાઈ છે. આમ તો આ બિલને કાયદાનું સ્વરૂપ મળે તેવી કોઈ શક્યતા નથી, પરંતુ જો એવું માની લઈએ કે આવો કોઈ કાયદો બની જાય તો અમેરિકામાં વર્ષો પહેલા ઈલીગલી એન્ટર થયા હોય, વિઝા પર ઓવરસ્ટે થઈ ગયા હોય તેમજ યુએસમાં જ કરિયર બનાવવાની સાથે પરિવાર વસાવ્યો હોય અને ટેક્સ પે કરવાની સાથે કોમ્યુનિટીમાં કોન્ટ્રીબ્યૂટ કરતા હોય તેમને લીગલ પરમેનન્ટ રેસિડેન્ટ બનવાનો મોકો મળી શકે છે.

આ બિલના ટેકેદારોનું કહેવું છે કે જે લાખો લોકો વર્ષોથી કોઈ સ્ટેટસ વિના રહે છે તેમને આમેય ડિપોર્ટ કરવા આસાન નથી, તેવામાં જો તેમને લીગલ સ્ટેટસ આપી દેવાય તો અમેરિકાને જ તેનો ફાયદો થશે. જોકે, તેના વિરોધીઓની એવી દલીલ છે કે જો આમ થયું તો ઈલીગલી અમેરિકા આવતા કે પછી વિઝા પર ઓવરસ્ટે થઈ જતાં લોકોની સંખ્યામાં ધરખમ વધારો થશે અને સૌ કોઈ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરવા લાગશે. એટલું જ નહીં, તેનાથી ઈમિગ્રેશન લૉનો ભંગ કરતા લોકોને પણ પ્રોત્સાન મળશે તેમજ આવો કોઈપણ કાયદો બનાવતા પહેલા બોર્ડર સિક્યોરિટીને કડક બનાવવી પડશે.

જોકે, આ અંગેના બિલને રિઈન્ટ્રોડ્યૂસ કરનારા ડેમોક્રેટિક સેનેટરની સોશિયલ મીડિયા પર આકરી ઝાટકણી કાઢવામાં આવી રહી છે. તેમની પોસ્ટ પર કમેન્ટ કરનારા લોકોની દલીલ છે કે ઈલીગલ ઈમિગ્રન્ટ્સને કારણે અમેરિકામાં ક્રાઈમ વધે છે તેમજ 2005માં ખુદ બરાક ઓબામાએ જ એવું કહ્યું હતું કે અમેરિકામાં ઈલીગલી આવનારા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે તેમજ તેમન નોકરીએ રાખનારા સામે પણ કાયદાકીય કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત હવે ઈમિગ્રન્ટ્સને લીગલ સ્ટેટસ આપવાની માગ કરી રહેલા ડેમોક્રેટિક સેનેટર બાઈડનની સરકાર વખતે ક્યાં હતા તેવા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે. લીગલી અમેરિકા માઈગ્રેટ થવા માગતા લોકો હાલ વર્ષોના વેઈટિંગમાં છે તેવામાં જે લોકો ઈલીગલી આવ્યા છે તેમને જો ગ્રીન કાર્ડ મળી જશે તો જે વેઈટિંગમાં છે તેમનું શું થશે તેવી દલીલ પણ એલેક્સ પડીલાની પોસ્ટ પર કમેન્ટ કરનારા એક યુઝરે કરી હતી.

અમેરિકામાં આ પ્રકારના સેંકડો બિલ અત્યારસુધી ઈન્ટ્રોડ્યૂસ થઈ ચૂક્યા છે, જેમાંથી મોટાભાગનાનું બાળમરણ થયું છે. એલેક્સ પડિલા દ્વારા ફરી રજૂ કરાયેલા આ બિલની પણ એ જ હાલત થવાની છે. એ પણ હકીકત છે કે અમેરિકાની સરકાર ભવિષ્યમાં આવો કોઈ કાયદો લાવશે તેવી આશા રાખીને બેઠેલા લાખો અનડોક્યુમેન્ટેડ ઈન્ડિયન્સ ત્યાં ટેક્સ પે કરી રહ્યા છે, ઘણા તો એવા પણ સપનાં જુએ છે કે જો અમેરિકાની સરકાર અમુક રકમનો દંડ લઈ લઈ ગ્રીન કાર્ડ આપી દે તો પણ લોકોને ફાયદો થઈ જાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!