ટોચના સમાચારબિઝનેસ

અમેરિકામાં ગ્રેજ્યુએટ્સ માટે જોબ શોધવાનું મુશ્કેલ બન્યું

40 ટકા ગ્રેજ્યુએટ્સ એવી સામાન્ય નોકરી કરી રહ્યા છે કે જેના માટે ડિગ્રીની કોઈ જરૂર જ નથી.

અમેરિકન યુનિવર્સિટીની ડિગ્રી હાથમાં હોય તો દુનિયાની કોઈપણ કંપનીમાં સારી જોબ મળી શકે તે દિવસો હવે સમાપ્ત થઈ ગયા છે. એક અંદાજ અનુસાર ગ્રેજ્યુએટ થનારાં લગભગ 40 ટકા સ્ટૂડન્ટ્સ એવી જોબ કરવા મજબૂર છે કે જેના માટે ડિગ્રીની કોઈ જરૂર જ નથી. અમેરિકામાં માંડ સ્કૂલ સુધી ભણ્યા હોય તેવા લોકો જ કૉફી શોપ્સ, રેસ્ટોરાં કે સ્ટોર્સમાં કામ કરતા હતા પરંતુ હવે કોલેજ ગ્રેજ્યુએટ્સ પણ સર્વાઈવલ જોબ તરીકે ઓળખાતી આ નોકરીઓ માટે લાઈન લગાડી રહ્યા છે. અત્યારે સ્થિતિ એ છે કે મહેનત કરીને ગ્રેજ્યુએટ થનારા લોકો સારી નોકરી ના મળી રહી હોવાથી હતાશ છે.

ડિગ્રીની કોઈ જ વેલ્યૂ ના રહી હોય તેવી સ્થિતિમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે યંગ કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે જોબ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ નોકરીઓ ઘટી રહી છે તેવામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે જાણે પડતાં પર પાટું માર્યું હોય તેમ ફ્રેશર્સ માટે જાણે માર્કેટમાં જોબ નથી રહી. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ સમસ્યાનું હાલ તુરંત કોઈ સમાધાન આવે તેવી લગભગ કોઈ શક્યતા નથી. પોતાના ફિલ્ડની જોબ ના મળવાથી સ્ટૂડન્ટ્સને ના માત્ર આર્થિક નુક્સાન ભોગવવું પડશે પણ તેની સાથે તેમના માટે એમ્પ્લોયમેન્ટ અપોર્ચ્યુનિટીઝ પણ ઘટતી રહેશે.

ગ્રેજ્યુએટ્સનું એવું માનવું છે કે AIને કારણે માર્કેટમાંથી એન્ટ્રી લેવલની જોબ્સ ગાયબ થઈ રહી છે. જોકે, અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વાત સો ટકા સાચી નથી, કારણકે હાલ ગ્રેજ્યુએટ્સને જોબ શોધવામાં જે સમસ્યા થઈ રહી છે તેના માટે ખરેખર તો લેબર માર્કેટની સ્થિતિ જવાબદાર છે. ટેરિફ અને ઈરાન વૉર સહિતના પરિબળોને કારણે અમેરિકાની ઈકોનોમી સીધી પ્રભાવિત થઈ રહી છે. માર્કેટમાં લૉ હાયર, લૉ ફાયરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મોઘવારી પણ વધી રહી છે, જેથી યંગસ્ટર્સ માટે જોબ અપોર્ચ્યુનિટીઝ ઘટી રહી છે. સામાન્ય રીતે ફ્રેશ ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર સૌથી ઓછો રહેતો હોય છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં આ ગેપ સતત વધી રહ્યો છે અને હાલ 5.6 ટકા પર પહોંચી ગયો છે.

જો કોઈ કંપની પોતાનો બિઝનેસ એક્સપાન્ડ નહીં કરે, જૂના કર્મચારીઓને ફાયર નહીં કરે તો સ્વાભાવિક છે કે નવા લોકો માટે જગ્યા પણ નહીં થાય અને અમેરિકાની મોટાભાગની કંપનીઓમાં હાલ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. આમ તો કોઈપણ કામ નાનું નથી હોતું, પરંતુ ગ્રેજ્યુએટ થયા બાદ એન્ટ્રી લેવલની જોબ કરવાનું લાંબા ગાળાનું પરિણામ ગંભીર હોઈ શકે છે, કારણકે ઓછા પગારની નોકરી સ્વીકાર્યા બાદ હાયર સેલેરી બ્રેકેટમાં મૂવ થવું ખૂબ જ ચેલેન્જિંગ બની જાય છે.

અમેરિકાના કેટલાક યંગસ્ટર્સને હવે એવો સવાલ પણ થઈ રહ્યો છે કે જો નોકરીના કશાય ઠેકાણા ના હોય તો કોલેજ શા માટે ચાલુ રાખવી જોઈએ? આ મામલે ઈકોનોમિસ્ટ્સનું માનવું છે કે યંગસ્ટર્સે ભણવાનું પડતું ના મૂકવું જોઈએ. કારણકે, ડિગ્રી હશે તો લાંબા ગાળે સારી જોબ અને સારો પગાર મળવાના ચાન્સ રહેશે. જોકે, હાલના સમયમાં ગ્રેજ્યુએટ થઈ રહેલા લોકોને કદાચ આ વાત સાચી ના પણ લાગે.

અમેરિકામાં જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા સર્જાઈ છે તે વખતે ગ્રેજ્યુએટ થનારા લોકોને તેના લાંબા ગાળાના પરિણામ સહુથી વધુ ભોગવવા પડ્યા છે. 1980માં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી. ઈકોનોમી પડકારજનક સમયમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તેની સૌથી પહેલી અસર એન્ટ્રી લેવલની નોકરીઓ પર પડે છે, કારણકે મોટાપાયે કામકાજ ધરાવતી તેમજ સારો પગાર આપતી કંપનીઓ ભરતી ઓછી કરી નાખે છે અને ગ્રેજ્યુએટ્સને નાની અને ઓછો પગાર આપતી પેઢીઓથી પોતાની કરિયર શરૂ કરવી પડે છે. ઓછી સેલેરીવાળી નોકરીથી યંગસ્ટર્સના રેઝ્યુમેનો પ્રભાવ ઘટી જાય છે અને તેમના માટે વધુ પગારવાળી જોબ મેળવવી મુશ્કેલ બને છે. તેમાંય જે લોકો સામાન્ય ઈન્સ્ટિટ્યૂટ્સમાંથી પાસ આઉટ થયા છે તેમને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

હાવર્ડના લેબર માર્કેટ ઈકોનોમિસ્ટ લેરી કેટ્ઝનું આ મામલે કહેવું છે કે ઓવરઓલ લેબર માર્કેટ ભલે રિસેશનમાં ના હોય પરંતુ જોબ શોધી રહેલા યંગ ગ્રેજ્યુએટ્સ માટે તો સ્થિતિ મંદી જેવી જ છે. 1980માં જે મંદી આવી હતી તેની રખામણીએ હાલ કોલેજ ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર ઓછો છે, પરંતુ 1990-91 તેમજ 2000ના ડોટ-કોમ ક્રેશ કરતાં તે ચોક્કસ વધારે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!