
કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ:- *આ આધુનિક ભવન માત્ર એક ઈમારત નહીં પરંતુ સમગ્ર હાલાર પંથકના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયના આર્થિક ઉત્થાનનું કેન્દ્ર બની રહેશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:- *રાજ્યમાં સેવા મંડળી, ક્રેડીટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત, ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ‘ અભિયાનથી પ્રેરણા લઈ ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લી. ની મુખ્ય કચેરીના નવનિર્મિત ‘સહકાર ભવન‘નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ સહકાર ક્ષેત્રે લેવાયેલા વિવિધ ક્રાંતિકારી ઇનિશિયેટિવ્સ ગ્રામીણ સહકારી સેક્ટરને વધુ સક્ષમ અને સમૃદ્ધ કરવામાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયા છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના દ્રષ્ટિબિંદુને સાકાર કરવામાં જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકનું આ નવનિર્મિત ‘સહકાર ભવન’ એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે.તેમણે બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, આ આધુનિક ભવન માત્ર એક ઈમારત નથી પરંતુ સમગ્ર હાલર પંથકના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામીણ સમુદાયના આર્થિક ઉત્થાનનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ સહકારી બેંકને જો મજબૂત કરવી હોય તો તેને આધુનિક બનાવવી અનિવાર્ય છે અને તે માટે બેંકનું મુખ્ય મથક તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવું જોઈએ. જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક દ્વારા આર.બી.આઈ. અને નાબાર્ડના નિર્ધારિત ધોરણો મુજબ અદ્યતન ટેકનોલોજી આધારિત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે, તે બદલ તેમણે બેંક સંચાલકોને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે ઉમેર્યું કે, વર્ષ ૧૯૫૯માં માત્ર રૂ.૨.૫ લાખની નાની થાપણથી શરૂ થયેલી આ બેંક આજે રૂ. ૨૧૫૪ કરોડથી વધુનો પ્રશંસનીય વાર્ષિક કારોબાર કરી રહી છે, જે સહકારી ક્ષેત્રની તાકાત અને લોકોના વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે.વર્તમાનમાં ૪૦ શાખાઓ ધરાવતી આ બેંક આવનારા દિવસોમાં જામનગર જિલ્લાના પ્રત્યેક ગામ સુધી પહોંચીને તમામ પ્રકારની સહકારી મંડળીઓ અને સંઘોને સાંકળી સહકાર ક્ષેત્રને વ્યાપક અને મજબૂત બનાવશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં પ્રથમ વખત અલગ સહકાર મંત્રાલયની રચના કરીને સહકારી ક્ષેત્રમાં જે ક્રાંતિકારી સુધારાઓ લાવવામાં આવ્યા છે, તેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી ઊર્જા અને ઝડપ મળી છે.
આ લોકાર્પણ સમારોહમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ સહભાગી થતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મોદી ૩.૦ માં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની ભૂમિકા અતિ મહત્વની છે. અલગ સહકાર મંત્રાલયની રચના બાદ કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્ર વધુ મજબૂત અને પારદર્શક બન્યું છે. સહકારી બેંકો એ ‘નાના માણસોની મોટી બેન્ક’ છે, જેણે સેવા, ક્રેડિટ અને મહિલા મંડળીઓ મારફતે ગરીબો, પછાતો, શ્રમિકો અને ખેડૂતોને આર્થિક રીતે પગભર કર્યા છે. માઇક્રો ATM, બેંક મિત્ર અને ડિજિટલ બેન્કિંગ જેવી આધુનિક સેવાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ ક્ષેત્રે લોકોનો વિશ્વાસ વધ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની પ્રશંસનીય કામગીરીનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, બેંક દ્વારા પોતાના એકંદર ધિરાણમાંથી આશરે ૯૭ ટકા જેટલું ધિરાણ માત્ર કૃષિ અને કૃષિ સંલગ્ન ક્ષેત્રોને આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, બેંકનું નેટ NPA શૂન્ય ટકા હોવું એ બેંકનું કુશળ અને અસરકારક લોન વ્યવસ્થાપન તથા ગ્રાહકોનો બેંક પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન આપતા વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી અર્જૂનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના સબળ નેતૃત્વમાં સહકાર ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. ગામેગામ મંડળીઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભી છે, જેના ભાગરૂપે અતિવૃષ્ટિમાં ખેડૂતોને રૂ. ૧૧,૫૦૦ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે તથા ટેકાના ભાવે પૂરતી ખરીદી કરીને ખેડૂતોને સમૃદ્ધિના માર્ગે આગળ લઈ જવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘણી, સાંસદ શ્રી પૂનમબેન માડમ, પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મુળુભાઈ બેરા તેમજ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે પણ પોતાના ઉદબોધનમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારના સબળ નેતૃત્વના માધ્યમથી સહકારી ક્ષેત્રનો થયેલ વિકાસ તથા જામનગર ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકની ખડુતોના ઉત્થાનમાં ભૂમિકા વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.
આ તકે ધી ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી જીતુભાઈ લાલે સ્વાગત વિધિ વડે સૌને આવકાર્યા હતા અને બેંકની કામગીરીની ઝીણવટભરી માહિતી રજૂ કરી હતી જ્યારે કાર્યક્રમની આભાર વિધિ મૌલિક હાથીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અંદાજિત રૂ. ૨૫ કરોડના ખર્ચે ૨૫,૦૦૦ ચોરસ ફૂટ ક્ષેત્રફળમાં નિર્માણ પામેલું આ નવનિર્મિત ‘સહકાર ભવન‘ બેન્કિંગ વિભાગીય તમામ સુવિધાઓથી સજ્જ છે. જેમાં મિટીંગ-ટ્રેનિંગ રૂમ, કોન્ફરન્સ રૂમ ઉપરાંત ખેડૂતો માટે ખાસ ડોર્મિટરી રેસ્ટ રૂમ, રસોડું, ડાઇનિંગ હોલ અને કિસાન છાત્રાલય જેવી વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રેમતી રિવાબા જાડેજા, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, જિલ્લા કલેકટર શ્રી પી.બી. પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી તથા શ્રી મેઘજીભાઈ ચાવડા, અગ્રણી સર્વશ્રી બીનાબેન કોઠારી, શ્રી મયુરભાઈ ગઢવી, શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, શ્રી ચીમનભાઈ સાપરીયા, ડો.વિનુભાઈ ભંડેરી, મુકુંદભાઈ સભાયા, બળદેવસિંહ જાડેજા, સી.આર જાડેજા સહિત બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.




