સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ જે ગ્રુપની સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું, તે ગ્રુપની કંપની હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપ બનાવીને દેશ-વિદેશ મોકલે છે
ચેન્નઈ સ્થિત મુરુગપ્પા ગ્રુપે 1951માં હર્ક્યૂલિસ સાઈકલ લૉન્ચ કરી, આ ગ્રુપની CG સેમિ દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું નિર્માણ

મહિલા સશક્તિકરણ માટે CG સેમિ દ્વારા અનોખો પ્રયાસ: પ્લાન્ટમાં ફેક્ટરી ફ્લોર પર મોટાભાગની કામગીરી મહિલાઓ સંભાળશે
તમે હર્ક્યૂલિસ સાઈકલ વિશે સાંભળ્યું હશે. વર્ષ 1949માં ચેન્નઈ સ્થિત મુરુગપ્પા ગ્રુપ દ્વારા યુ.કેની ટ્યૂબ ઇન્વેસ્ટમેન્ટ્સ કંપની સાથે ભાગીદારીમાં ટીઆઈ સાઇકલ્સ ઓફ ઇન્ડિયાની શરૂઆત કરવામાં આવી હતી. ભાવનગર રજવાડાના છેલ્લા અને અત્યંત લોકપ્રિય તેમજ પ્રજાવત્સલ રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જ્યારે મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે કાર્યરત હતા, તે દરમિયાન તેમના હસ્તે વર્ષ 1951માં આ કંપનીની ટીઆઇ સાઇકલ્સ ‘એ’ ફેક્ટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ફેક્ટરીમાંથી જ હર્ક્યૂલિસ સાઈકલનું નિર્માણ શરૂ થયું હતું, જે આગળ જતા દેશમાં એક જાણીતી બ્રાન્ડ બની હતી. આ મુરુગપ્પા ગ્રુપની કંપની CG સેમિ હવે ભારતના સેમિકોન મિશનને આગળ લઈ જવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા તૈયાર છે, અને 4 જુલાઈ 2026ના રોજ, સાણંદમાં આ કંપનીના વ્યવસાયિક ઉત્પાદનનો વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
CG પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સોલ્યુશન્સ લિમિટેડની સબસિડરી કંપની CG સેમિ પ્રા. લિમિટેડ દ્વારા ₹7600 કરોડના ખર્ચે સાણંદમાં OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. CG સેમી સાથે જાપાનની રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ અને થાઈલેન્ડની સ્ટાર માઈક્રોઇલેક્ટ્રોનિક્સ સંયુક્ત ભાગીદારીમાં છે, જેમાં મહત્તમ શેરહોલ્ડિંગ CG સેમિનું છે. સાણંદમાં નિર્મિત ચીપની ખરીદી જાપાનની કંપની દ્વારા કરવામાં આવશે અને સાથોસાથ ટેક્નોલોજિકલ સહયોગ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે. કંપની હવે મોટાપાયે વ્યવસાયિક ઉત્પાદન કરીને દેશ-વિદેશમાં ચીપ્સ મોકલશે.
ફ્લોર પર મોટાભાગની કામગીરી મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ લઈ જવા માટે CG સેમિ વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે કંપની દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. CG સેમિકોનના અધિકારીઓ તરફથી જણાવ્યા અનુસાર ફેક્ટરી ફ્લોર પર પ્લાન્ટ ઓપરેશનની મોટાભાગની કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાંથી અહીં મહિલા કર્મચારીઓ અત્યારે કામ કરી રહી છે. ફ્લોર પર મશીન ઓપરેશન્સની મહત્તમ કામગીરી મહિલાઓ દ્વારા કરવામાં આવશે.

મહિલાઓ કોન્ફિડન્સ સાથે ઓપરેશનની કામગીરીમાં સક્રિય
ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી આવીને સાણંદમાં કામ કરતી મહિલા કર્મચારીઓને સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં કામગીરી માટેની પ્રેક્ટિકલ તાલીમ માટે કંપની દ્વારા ત્રણ મહિના માટે મલેશિયા મોકલવામાં આવી હતી. આ મહિલા કર્મચારીઓ હવે સ્વતંત્ર રીતે પ્લાન્ટમાં મશીન ઓપરેશન્સ કરવા માટે સજ્જ થઈ ગઈ છે.
મૂળ નવસારીની રહેવાસી અને અમદાવાદની એલ.ડી એન્જિનિયરિંગમાં વર્ષ 2024માં ઇલેક્ટ્રોનિક્સ અને કૉમ્યુનિકેશનનો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રેયા ભરતભાઈ પટેલ અને સુરેન્દ્રનગરની જાનવી પાટડીયા આ પ્લાન્ટમાં પ્રોસેસ ક્વૉલિટી એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. શ્રેયાના જણાવ્યા અનુસાર, _“પહેલા અમે ચીપનો ઉપયોગ કરતા હતા તેથી તેની નિર્માણ પ્રક્રિયામાં પણ અમને રસ પડ્યો. તેથી જ્યારે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં કામ કરવાની તક મળી, તો મેં તેમાં આગળ વધવાનું નક્કી કર્યુ. અત્યારે અમને સેમિકન્ડક્ટર ક્ષેત્રની ટેક્નિકલ બાબતોને શીખવામાં ઘણો આનંદ આવે છે.”_ પ્રોસેસ એન્જિનિયર તરીકે શ્રૈયાને એસેમ્બ્લીમાં કોઈ પણ પ્રકારના ડિફેક્ટને શોધવાની જવાબદારી હોય છે.
જાનવી પાટડીયાને પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવું શીખવાની ધગશ છે. જાનવી કહે છે, _“અમે જ્યારે તાલીમ લેવા મલેશિયા ગયા ત્યારે એક ઓપરેશનલ કંપનીમાં કામ કરવા મળ્યું. પરંતુ અહીં સ્ક્રેચમાંથી આ કંપનીનું નિર્માણ થઈ રહ્યું છે. તેથી ઘણા પડકારો જોવા મળે છે, તેમાંથી નવું શીખવા મળે છે.”_
જાનવીની સાથે કેરળના વાયનાડની રહેવાસી વૈષ્ણવી પાલ પણ પ્રોસેસ એન્જિનિયરની જવાબદારી સંભાળે છે. કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવીને અત્યારે તે CG સેમિના પ્લાન્ટમાં ઇલેક્ટ્રોલાઈટ પ્લેટિંગ કામગીરી સંભાળે છે. વૈષ્ણવી રાજીપો વ્યક્ત કરતા જણાવે છે, _“મારું કેમિકલ એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ છે એટલે મને પહેલા સેમિકન્ડક્ટર વિશે વધારે માહિતી ન હતી. પરંતુ જ્યારથી હું આ ક્ષેત્રમાં આવી છું, અને મને તાલીમ મળી ત્યારથી મારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે. મને ઘણુ એક્સપોઝર મળ્યું છે અને હું હવે વધારે કોન્ફિડન્ટ બની ગઈ છું.”_
કેરળની રહેવાસી સાન્ડ્રા ઇ.કે પણ પ્રોસેસ એન્જિનિયર તરીકે CG સેમિમાં ફરજ બજાવે છે. સાન્ડ્રા કહે છે, _“હું ઇન્ટર્નશિપમાં હતી ત્યારે મને આ તક વિશે માહિતી મળી. પહેલા મને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ વિશે બહુ ખયાલ ન હતો પરંતુ જ્યારથી અહીં આવીને મેં ઇન્ડસ્ટ્રી જોઈ ત્યારે મારું સમગ્ર પર્સેપ્શન બદલાઈ ગયું છે.”_
ઇન્દોરની આકાંક્ષા તંવર પણ ઇ.સી એન્જિનિયર છે અને પ્રોસેસ એન્જિનિયર તરીકે કાર્ય કરે છે. આકાંક્ષા કહે છે, “અમને તાલીમ માટે પહેલી વાર અબ્રોડ જવા મળ્યું અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવું શીખવા મળે છે, તેથી આગળ વધવાની ઘણી તકો આ ક્ષેત્રમાં છે.”




