પ્રવેશોત્સવ પૂર્વે પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો પહોંચાડવા તંત્ર સજ્જ : રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરા
ભૌતિક પુસ્તકો પહોંચવામાં વિલંબ થાય તો પણ શિક્ષણ નહીં અટકે. પાઠ્યપુસ્તક મંડળે ઊભી કરી અત્યાધુનિક 'ડિજિટલ બેકઅપ' વ્યવસ્થા
વૈશ્વિક પડકારો છતાં પાઠ્યપુસ્તકોમાં કોઈ ભાવ વધારો નહીં, વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો બોજ નહીં પડે: અધ્યક્ષ શ્રી પાવરા
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના કાર્યવાહક અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રિવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી ચાલી રહી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી શરૂ કરીને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે મંડળ દ્વારા યુદ્ધના ધોરણે અને સુદ્રઢ આયોજન સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.

વધુ વિગતો આપતા અધ્યક્ષ શ્રી મનુભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે, ચાલુ શૈક્ષણિક વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નૂતન વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરી દેવાઈ હતી. પરંતુ, કેટલીક અનિવાર્ય ન્યાયિક પ્રક્રિયા – કોર્ટ કેસ તેમજ ઈરાન સહિતના અન્ય દેશો વચ્ચે સર્જાયેલી વૈશ્વિક યુદ્ધની વિષમ પરિસ્થિતિને કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો આકસ્મિક વિલંબ થયો હતો. જો કે, મંડળની સમગ્ર ટીમ તમામ આંતરરાષ્ટ્રીય અને કાનૂની અવરોધોને પાર પાડી, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય સહેજ પણ પ્રભાવિત ન થાય તે માટે અત્યારે દિવસ-રાત પૂરજોશમાં પ્રિન્ટિંગની કામગીરી કરી રહી છે. આ તમામ આકસ્મિક વૈશ્વિક પડકારો છતાં પુસ્તકોના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને વાલીઓ પર એક પણ રૂપિયાનો વધારાનો આર્થિક બોજ પડવા દેવામાં આવશે નહીં તેવો વિશ્વાસ અધ્યક્ષ શ્રી પાવરાએ રાજ્યના નાગરિકો અને વાલીઓને અપાવ્યો હતો.
પુસ્તક વિતરણની વર્તમાન સ્થિતિ અને આગામી સુદ્રઢ આયોજનની રૂપરેખા આપતા અધ્યક્ષ શ્રી મનુભાઈએ ઉમેર્યું હતું કે, રાજ્યની ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેના કિંમતવાળા પુસ્તકો વિતરકો સુધી સમયસર પહોંચાડી દેવાયા છે, જે હાલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થઈ પણ ચૂક્યા છે. જ્યારે સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને આગામી ‘શાળા પ્રવેશોત્સવ‘ પૂર્વે જ તમામ પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે મળી રહે તેવું માઇક્રો-પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ પુસ્તકો અતિ ઝડપે પહોંચાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓ ખડેપગે કામ કરી રહી છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ આશ્વસ્ત કરતા અધ્યક્ષ શ્રી મનુભાઈએ જણાવ્યું હતું કે, ભૌગોલિક પડકારો કે અંતરિયાળ -રીમોટ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોવશાત જો ભૌતિક પુસ્તક પહોંચવામાં સહેજ પણ વિલંબ થાય, તો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ક્યાંય અટકે નહીં તે માટે મંડળે અત્યાધુનિક ‘ડિજિટલ બેકઅપ‘ની આગોતરી વ્યવસ્થા ઊભી કરી છે. મંડળની https://gsstb.gujarat.gov.in/gsstb/Textbook અધિકૃત વેબસાઇટ પર તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપે –e-Books અપલોડ કરી દેવામાં આવ્યા છે.
શૈક્ષણિક સત્રના પ્રારંભિક તબક્કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોઈપણ અડચણ વગર વેબસાઇટ પરથી સીધા જ પ્રકરણો –Chapters ડાઉનલોડ કરીને સંદર્ભ –Reference તરીકે ઉપયોગ કરી બાળકોને ભણાવી શકશે. રાજ્ય સરકાર અને પાઠ્યપુસ્તક મંડળ પ્રત્યેક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક હિત પ્રત્યે અત્યંત સંવેદનશીલ તેમજ ગંભીર છે, અને ગમે તેવા વિષમ સંજોગોમાં પણ છેવાડાના બાળક સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવા અમે કટિબદ્ધ છીએ તેમ પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ શ્રી મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું.





