જામનગર

જામનગરના સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહાતીર્થ: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ

રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીનું ભૂમિદાન અને દાનવીર શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહના આર્થિક સહયોગથી રોપાયેલું નાનું છોડ આજે બન્યું વટવૃક્ષ

વર્ષ ૧૯૫૫માં માત્ર ૬૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે દેશ-વિદેશને આપી ચૂકી છે ૧૦,૦૦૦થી વધુ કુશળ તબીબો

Shri MP Shah
Shri M P Shah, Donor
Jamsaheb Shri Digvijaysinhji
Jamsaheb Shri Digvijaysinhji

જામનગર શહેર માટે ગૌરવ સમી શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ આજે સ્વાસ્થ્ય સેવા અને તબીબી શિક્ષણનું અગ્રણી કેન્દ્ર બની ગઈ છે. આ ભવ્ય સંસ્થાની સ્થાપના પાછળ દ્રષ્ટિ, નિઃસ્વાર્થ સેવા અને દાનનો અનોખો સમન્વય રહેલો છે. તબીબી શિક્ષણની સાથે-સાથે આ સંસ્થા સાથે સંકળાયેલી ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે જીવનદાયિની બનીને લાખો જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ગુણવત્તાસભર સારવાર પૂરી પાડી રહી છે.

Hospital new building
Hospital new building

ભવ્ય ભૂતકાળ અને દાનની સરવાણી:
આ પ્રતિષ્ઠિત સંસ્થાના પાયા જામનગરના પ્રજાવત્સલ અને દીર્ઘદ્રષ્ટા રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી દ્વારા મૂકવામાં આવ્યા હતા. તેમણે ઉમદા હેતુ માટે ૬૧ એકર જેટલી કિંમતી જમીન સખાવતમાં આપીને સ્વાસ્થ્ય અને શિક્ષણના કેન્દ્રનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રાજવીના આ સ્વપ્નને સાકાર કરવા માટે લંડન સ્થિત દાનવીર ઉદ્યોગપતિ શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહે વર્ષ ૧૯૫૪માં રૂ.૧૫ લાખનું ઉદાર દાન આપ્યું હતું, જેનું મૂલ્ય આજના સમયમાં અંદાજે રૂ.૨૫૦થી રૂ.૩૦૦ કરોડ જેટલું થવા જાય છે. રાજવીનું ભૂમિદાન અને શ્રેષ્ઠીનું અર્થદાન એ જામનગરના ઈતિહાસનું સુવર્ણ પૃષ્ઠ બનવા પામ્યું છે.

Shri M P Shah Medical College
Shri M P Shah Medical College

તબીબી શિક્ષણનું અગ્રણી કેન્દ્ર:
વર્ષ ૧૯૫૫માં માત્ર ૬૦ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે શરૂ થયેલી આ મેડિકલ કોલેજે વિકાસના અનેક શિખરો સર કર્યા છે. આ સંસ્થા અત્યાર સુધીમાં ૧૦,૦૦૦થી વધુ ડૉક્ટરો તૈયાર કરીને દેશ-વિદેશમાં માનવતાની સેવામાં અર્પણ કરી ચૂકી છે. વર્તમાન સમયની વાત કરીએ તો, સંસ્થા ખાતે દર વર્ષે ૨૫૦ MBBS બેઠકો, ૨૪૩ અનુસ્નાતક (PG) બેઠકો તેમજ ૫ સુપર સ્પેસીયાલીટી બેઠકો દ્વારા નવી પેઢીના તબીબોને ઉચ્ચ કક્ષાની તાલીમ આપવામાં આવી રહી છે.

આ અવસરે હોસ્પિટલના બાળ રોગ વિભાગના પ્રાધ્યાપક ડો.મૌલિક શાહે રસપ્રદ વિગતો રજૂ કરતા જણાવ્યું છે કે જામનગરના જામ સાહેબ અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના અવિસ્મરણીય અને યુગપ્રવર્તક યોગદાનને સમગ્ર હાલાર પંથક કૃતજ્ઞતા સાથે સ્મરી રહ્યો છે. તેમણે વર્ષો પહેલાં આપેલી આ અમૂલ્ય ભેટ આજે પણ સમાજને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!