
જામનગર જિલ્લા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે, કારણ કે અન્ડર-19 વર્ગના ત્રણ પ્રતિભાશાળી ક્રિકેટરો—જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર કુમારને નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) ખાતે યોજાનારા ઇન્ડિયા U-19 ટીમના કેમ્પ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદગી તેમની પ્રતિભા, મહેનત અને સતત ઉત્તમ પ્રદર્શનનું પ્રતિબિંબ છે, જે માત્ર જામનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવની બાબત બની છે.

આ ત્રણેય ખેલાડીઓએ ચાલુ વર્ષ દરમિયાન સૌરાષ્ટ્ર U-19 ટીમ તેમજ પ્રતિષ્ઠિત જયહિંદ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ દેખાવમાં તેઓએ સતત સારો દેખાવ કરી સિલેક્ટરોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમની રમતની સમજ, ટેકનિક અને મેચ પરિસ્થિતિઓમાં દેખાડેલી પરિપક્વતા તેમને અન્ય ખેલાડીઓથી અલગ ઉભા કરે છે.
આ સફળતાપાછળ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણનો વિશેષ ફાળો રહ્યો છે, જેમણે વર્ષોથી આ ખેલાડીઓને નિયમિત અને પ્રોફેશનલ તાલીમ આપી છે. તેમની માર્ગદર્શન હેઠળ આ યુવા ખેલાડીઓએ પોતાની સ્કિલ્સને વધુ મજબૂત બનાવી અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે ઓળખ ઉભી કરી છે.
જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરત ભાઈ મથ્થરે જણાવ્યું હતું કે, “આ ત્રણેય ખેલાડીઓની પસંદગી સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવનારી છે. તેઓએ મહેનત, લગન અને શિસ્ત સાથે જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. અમને વિશ્વાસ છે કે તેઓ ભવિષ્યમાં ભારત માટે પણ રમશે અને દેશનું નામ રોશન કરશે.”
આ પ્રસંગે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન, કોચિંગ સ્ટાફ તેમજ ખેલાડીઓના વાલીઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ થયો છે. તમામે તેમની આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. જાગરુક સમાચાર દૈનિક અને પોર્ટ્લની ટીમ પણ તેમને શુભેચ્છાઓ પાઠવે છે.
આ સફળતા માત્ર ત્રણ ખેલાડીઓની નથી, પરંતુ જામનગરમાં વિકસતી ક્રિકેટ સંસ્કૃતિ અને પ્રતિભાશાળી યુવાનો માટે પ્રેરણારૂપ છે. આવનારા સમયમાં પણ આવા યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની છાપ છોડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.




