ગુજરાતટોચના સમાચારધર્મ

કિંજલ દવેને જ્ઞાતિ બહાર મુકવાનો વિવાદ : કિંજલ દવે દ્વારા વિડીયો મેસેજથી જવાબ

ગુજરાતનાં જાણીતાં ગાયિકા કિંજલ દવે તેમની સગાઈ પછી ચર્ચામાં છે. પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરવાના કારણે કેટલાક લોકોએ તેમને જ્ઞાતિ બહાર કરવાની જાહેરાત કરી છે. કિંજલ દવેએ આ મામલે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો છે.

તાજેતરમાં 6 ડિસેમ્બરે કિંજલ દવેએ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. એ સમયે મોટા ભાગના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યાં હતાં, પરંતુ કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજની એક બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાતબહાર કરવાનો નિર્ણય લેવાયો હતો. કિંજલે આ બાબતે એક વીડિયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો સામાજિક બહિષ્કાર કરનારા લોકોને ઝાટક્યા છે અને કાયદેસરનાં પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.કિંજલ દવેએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે. તેમાં તેમણે પોતાની સગાઈ પછી જ્ઞાતિમાંથી બહિષ્કાર કરવાનો નિર્ણય લેનારા સામાજિક આગેવાનોને ઝાટક્યા છે અને “દીકરીઓની પાંખો કાપવા”નો આરોપ લગાવ્યો છે.

કિંજલ દવેએ આ વિડીયોમાં કહ્યું કે, “મારા જીવનના નવા પડાવની હું શરૂઆત કરી રહી છું, ત્યારે જેટલા લોકોએ મને શુભેચ્છા, પ્રેમ અને આશીર્વાદ આપ્યાં તે દરેકનો દિલથી આભાર માનું છું. મારા સગપણને લઈને ઘણા સમયથી મીડિયામાં તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. જેના વિશે હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી.પણ હવે મારા પરિવારની અને મારા પિતાની વાત થઈ રહી છે ત્યારે એક દીકરી તરીકે મારાથી સહન નથી થતું. મને લાગ્યું કે આજે મારે બોલવું પડશે.”

તેણી કહે છે કે, “એક બ્રહ્મકન્યા હોવાનું મને એટલું ગર્વ છે જેને શબ્દોમાં નહીં વર્ણવી શકું. મારી આ સફરમાં મારો પરિવાર અને મારા પિતા ઢાલની જેમ મારા સપોર્ટમાં રહ્યા છે. પરંતુ કહેવાતા સભ્ય અને મૉડર્ન સમાજમાં બે-ચાર અસામાજિક તત્ત્વો છે, જેઓ અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરે છે કે દીકરીઓની મર્યાદા ક્યાં સુધી હોવી જોઈએ. દીકરીઓને ઊડવા માટે પાંખો મળી છે, જેને કાપવાની વાતો ચાલે છે. દીકરીઓ તેજસ જેવાં વિમાન ઉડાવે છે, યુદ્ધ કરે છે, રણ મેદાનમાં છે. સંસદમાં છે, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં છે. ઑપરેશન સિંદૂરમાં બે દીકરીઓએ ગૌરવ અપાવ્યું હતું. ત્યારે શું બે-ચાર અસામાજિક તત્ત્વો નક્કી કરશે કે એક દીકરીને લાઇફ પાર્ટનર પસંદ કરવાનો હક નથી?”

“હું એક એવા પરિવારમાં જઈ રહી છું જે ભક્તિમય છે. મારા પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે મને જેવી છું તેવી આદરથી સ્વીકારી છે. રાતદિવસ નવકારમંત્ર અને ગાયત્રી મંત્રના જાપ થાય છે, એવા પરિવારમાં હું જઈ રહી છું તેનું ગૌરવ છે.”

તેણીએ કહ્યું કે, “હું તમામ શિક્ષિત લોકોને નમ્ર વિનંતી કરું છું કે દીકરીઓની પાંખો કાપવાની વાતો કરતા બે-ચાર અસામાજિક તત્ત્વોને સમાજમાંથી દૂર કરો. નહીંતર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. દીકરીઓનું સારું કરવું હોય તો તેમના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે તેની વાત કરો, દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો.”

“હું દરેક બ્રાહ્મણ આગેવાનને વિનંતી કરું છું કે આવાં અસામાજિક તત્ત્વોને સમાજમાંથી હઠાવો. જેટલા લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ કૉમેન્ટ કે પોસ્ટ કરશે તેની વિરુદ્ધ હું કાયદેસરનાં પગલાં લઈશ.”

છેલ્લે તેણે કહ્યું “આને વિશેષ મોટો મુદ્દો બનાવાની જરૂર નથી. જેઓ નાતબહાર કરવાની વાત કરે છે તેવાં અસામાજિક તત્ત્વોને કોઈ પાંચ હજારમાં નોકરીએ રાખવા તૈયાર નથી. તમે તમારું કામ સંભાળો.”

જોકે બ્રહ્મ સમાજના જે આગેવાનોએ આ નિર્ણય લીધો છે તેઓ તેના પર કાયમ છે અને પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા બાબતે અફર છે.

આ વિડીયો કિંજલ દવેના ઈન્સ્ટાગ્રામ આઈ ડી પર આપ જોઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!