
બિહારના ભોજપુર જિલ્લાના બિલોટી ગામમાંથી સામે આવેલી ઘટના માત્ર એક યુવાનના મોતના સમાચાર નથી, પરંતુ ખાખી વર્દીના ઓથા હેઠળ કાનૂની વ્યવસ્થા અને લોકશાહીના થયેલા ક્રૂર એન્કાઉન્ટરની કાળી વાર્તા છે. ૨૮ વર્ષના યુવાન ભરત ભૂષણ તિવારીને જે રીતે ધોળા દિવસે ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો, તે ઘટના સભ્ય સમાજ માટે કલંક સમાન છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોએ પોલીસની સત્તાવાર થિયરીના ચીંથરેચીંથરા ઉડાવી દીધા છે અને સરકારી તંત્રની ક્રૂરતાને બેનકાબ કરી દીધી છે.
હથિયાર હેઠા મૂક્યા પછી પણ ફાયરીંગ કેમ?
પોલીસ પોતાની આત્મરક્ષાની વાર્તાઓ ઘડીને ગમે તેટલો બચાવ કરે, પરંતુ દુનિયાએ લાઈવ વીડિયોમાં જોયું છે કે ભરત તિવારીએ પોતાની પિસ્તોલ નીચે ફેંકી દીધી હતી. તેણે હાથ ઊંચા કરીને કાયદા સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરી દીધું હતું. કાયદાનો નિયમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ શરણાગતિ સ્વીકારે, ત્યારે તેને કાનૂની પ્રક્રિયા હેઠળ લેવાનો હોય.
સૌથી મોટો સવાલ એ છે કે: ભરત તિવારી કોઈ રીઢો ગુનેગાર, આતંકવાદી કે મોસ્ટ વોન્ટેડ માફિયા નહોતો કે તેનું એન્કાઉન્ટર કરવું પડે! તે એક સામાન્ય નાગરિક હતો, ગામનો યુવાન હતો. જો પોલીસ ધારત તો તેને આસાનીથી પકડીને જેલમાં પૂરી શકાતો હતો, તેની સામે કાયદેસરનો કેસ ચલાવી શકાતો હતો. પરંતુ પકડવાને બદલે સીધી છાતીમાં ગોળીઓ ઉતારી દેવી, તે કાયદાનું પાલન નહીં પણ કાયદાની સરેઆમ હત્યા છે.
સરકાર અને અધિકારીઓની ગંભીર નિષ્ક્રિયતા
આ સમગ્ર મામલામાં બિહાર સરકાર અને ઉચ્ચ વહીવટી અધિકારીઓની ઘોર નિષ્ક્રિયતા અને અણઘડ વહીવટ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આ ઘટના કોઈ મિનિટોમાં બનેલી આકસ્મિક ઘટના નહોતી. સોશિયલ મીડિયા પર આ આખો ડ્રામા બે દિવસ સુધી લાઈવ ચાલી રહ્યો હતો.
જ્યારે એક યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ આવીને સિસ્ટમ સામે આક્રોશ ઠાલવી રહ્યો હતો, ત્યારે બે દિવસ સુધી વહીવટી તંત્રના અધિકારીઓ શું ઊંઘતા હતા?
શા માટે કોઈ વરિષ્ઠ અધિકારી કે મનોવૈજ્ઞાનિકે તેની સાથે વાતચીત કરીને, તેને સમજાવીને મામલો શાંત પાડવાનો પ્રયાસ ન કર્યો?
અધિકારીઓની આ જ નિષ્ક્રિયતા અને સંવેદનહીનતાનું પરિણામ છે કે અંતે વાત એન્કાઉન્ટર સુધી પહોંચી. જ્યારે સિસ્ટમ જનતાના પાયાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તે પોતાની નાકામી છુપાવવા માટે આવા હિંસક માર્ગો અપનાવે છે.
સિસ્ટમ સામે અવાજ ઉઠાવનાર ‘પાગલ’ ?
પરિવારના જણાવ્યા મુજબ ભરત ગામમાં પૂર અને માટી ભરાઈ જવા જેવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે અવાજ ઉઠાવતો હતો. તેણે પોતાના વીડિયોમાં ભગતસિંહનો ઉલ્લેખ કરીને ખૂબ જ ગંભીર વાત કહી હતી કે, “જ્યારે કોઈ સમાજ માટે લડે છે ત્યારે સિસ્ટમ તેને પાગલ જાહેર કરી દે છે.” આજે સવાલ એ થાય છે કે શું વ્યવસ્થા સામે સવાલ ઉઠાવનાર નાગરિકને માનસિક અસ્વસ્થ જાહેર કરીને એન્કાઉન્ટર કરી દેવું એ જ આજના શાસનનો નવો ન્યાય છે?
માત્ર સસ્પેન્શન પૂરતું નથી, કડક સજા થવી જ જોઈએ
વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી ફિટકાર વરસતા સરકારે ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે અને ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. પરંતુ, માત્ર સસ્પેન્શન એ કોઈ સજા નથી. આ સીધેસીધી કસ્ટડીયલ હિંસા અને પૂર્વઆયોજિત હત્યાનો મામલો છે.
ભરત તિવારીના પરિવારને ન્યાય ત્યારે જ મળશે જ્યારે આ ગુનાહિત કૃત્યમાં સામેલ તમામ STF જવાનો અને જવાબદાર અધિકારીઓ સામે કલમ ૩૦૨ (હત્યા) હેઠળ ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. જો આજે દેશ આ ઘટના સામે કડક ભાષામાં વિરોધ નહીં નોંધાવે, તો આવતીકાલે કોઈપણ સામાન્ય નાગરિકની લાશ પોલીસના બૂટ નીચે કચડાયેલી જોવા મળશે. હવે સમય આવી ગયો છે કે ખાખી વર્દીની પાછળ છુપાયેલા ગુનેગારોને કાયદાનું ભાન કરાવવામાં આવે!



