સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત-૨૦૨૬
મેદસ્વિતામાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરતનો અભાવ

મેદસ્વિતા વર્તમાન સમયની ગંભીર સમસ્યા બની રહી છે. આધુનિક જીવનશૈલી અને ખાનપાનની આદતોના કારણે બેઠાડું જીવન જીવનારા લોકો વધી રહ્યા છે. આવા બેઠાડુ જીવનના લીધે શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વિતા વધી રહી છે. જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાય છે. મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે “ એમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તા.૪ માર્ચ – વિશ્વ મેદસ્વિતા દિવસે વિધાનસભા ગૃહમાં નિયમ-૪૪ અંતર્ગત એક નિવેદન દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત”ની નેમ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે હવે ગુજરાત સરકારે આ માટે ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે.

વડાપ્રધાનશ્રીએ તેમના લોકપ્રિય રેડિયો વાર્તાલાપ ‘મન કી બાત’માં આ મેદસ્વિતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. એટલું જ નહિ, તેમણે સ્થૂળતા ઘટાડવા માટેની રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામુહિક કાર્યવાહી પર પણ પોતાના સંબોધનમાં ભાર મૂક્યો હતો. જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય તેવી શક્યતાઓ છે.

મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે વિધાનસભા ગૃહના સૌ ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓને “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અને સૌ નાગરિકોના જીવનને સ્વસ્થ-તંદુરસ્ત બનાવવાના જનસેવા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ પણ કર્યો હતો. ત્યારે આપણે જીવનશૈલીમાં ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના ઉપયોગથી મેદસ્વિતા મુકત ગુજરાત આહવાનને વેગ આપીએ………
મેદસ્વિતા માટે જંક ફૂડ, તળેલા ખોરાક, વધુ મીઠાશ અને ફાસ્ટ ફૂડનું વધતુ સેવન એવી અસંતુલિત આહાર આદતો, વ્યાયામ, કસરતનો અભાવ, થાઇરોઈડ અને ડાયાબિટીસ જેવી હોર્મોનલ સમસ્યાઓ, કુટુંબીજનોમાં સ્થૂળતા હોય તો તેની પેઢી દર પેઢી સુધી અસર તથા અનિયમિત અને અપૂરતી ઊંઘ તેમજ માનસિક તણાવ જેવા મુખ્ય પરિબળો જવાબદાર છે. ચરક સંહિતા સુત્રસ્થાનમાં પણ આઠ નિંદનીય મનુષ્યના વર્ણન છે. જેમાં આઠમું વર્ણન વધુ પડતો જાડો મનુષ્ય એબનોર્મલ એટલે કે નીંદનીય ગણાય છે.
વર્તમાન સમયમાં એન.સી.પી એટલે કે નોન કોમ્યુનિકેશન ડીસીઝ એટલે ચેપ વગરની બીમારીઓ વધી રહી છે. જેમાં બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ સામેલ છે. જેથી આ દિશામાં પગલાં લઈ રાજ્ય સરકાર જન હિતમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું એક મહત્વનું પગલું લઈ રહી છે. મેદસ્વિતાના કારણોમાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરત નો અભાવ મુખ્ય છે. એન.સી.ડી. અંતર્ગત રાજ્યભરમાં ૩૦ વર્ષ કે તેથી વધુ વયનાં લોકો માટે સમુદાય આધારિત સ્ક્રીનીંગ અંતર્ગત કમરનો ઘેરાવો અને બોડી માસ ઇન્ડેક્ષની તપાસ કરવામાં આવે છે, વજનનો અર્થ જ ‘વ’ એટલે વધારે પડતું, ‘જ’ એટલે જમવું અને ‘ન’ એટલે નહીં, એટલે કે ‘વધારે પડતું જમવું નહીં’ એવો થાય છે.
આયુર્વેદમાં જણાવ્યા મુજબ જમવાની એક પદ્ધતિ છે, જેના દ્વારા મેદસ્વિતા ઘટાડી શકાય છે. આ પદ્ધતિ પ્રમાણે બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે રાખવો એટલે કે ૧૦ % ભૂખ્યા રહેવું ખૂબ પેટ ભરીને ન જમવું તે હિતાવહ છે સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તલના તેલના ઉપયોગથી મેદસ્વિતા સામે લડવામાં ઘણી મદદ મળે છે, જેનું કારણ એ છે કે, તલનું તેલ પાતળા માણસને જાડા કરવા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે, ખૂબ જ ઉપયોગી છે. જરૂર પડે નાગરિકો પોતાના નજીકના સરકારી આયુર્વેદિક દવાખાનાનો સંપર્ક કરી શકે છે…..
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘ઓબેસિટી મુક્તિ’ ‘Obesity liberation’ માટેની રાષ્ટ્રવ્યાપી પહેલ એ વર્તમાન સમયની જરૂરિયાત છે. આ અભિયાનનું મહત્વ સમજી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વિતા દિવસે ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ની નેમ વ્યક્ત કરી છે.




