ગુજરાતજામનગરસ્થાનિક

લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના હસ્તે લોકાર્પણ કરાયું

સખી મંડળ સંચાલિત કેન્ટીન, તાલુકા પંચાયતના અરજદારો માટે હેલ્પ ડેસ્ક તથા અત્યાધુનિક કોમ્પ્યુટર લેબ કમ આઈટી સેલ ખુલ્લા મુકાયા

ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ, ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોની વહીવટી સરળતા માટે લાલપુર તાલુકા પંચાયત દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાલુકા પંચાયત લાલપુર ખાતે વિવિધ લોક કલ્યાણકારી પ્રોજેક્ટ્સનું જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતે પોતાના સ્વભંડોળમાંથી આ નવતર પ્રકલ્પો સાકાર કરીને ગ્રામીણ વિકાસની દિશામાં એક નવું કદમ વધાર્યું છે.

ગ્રામિણ મહિલાઓ અને સ્વ-સહાય જૂથોના આજીવિકા વિકાસ માટે કાર્યરત ગુજરાત આજીવિકા પ્રમોશન કંપની લિમિટેડના માર્ગદર્શન હેઠળ, દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત લાલપુર ગામના હાર્દ સમાન વિસ્તારમાં એક સંપૂર્ણ સુવિધા સભર આધુનિક કેન્ટીન તૈયાર કરવામાં આવી છે. આ કેન્ટીનનું લોકાર્પણ કરી તેને સંચાલન માટે ‘બાબરિયા સ્વ-સહાય જૂથ’ના સખી મંડળને અર્પણ કરવામાં આવી હતી, જે મહિલા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનશે.

આ સાથે જ, તાલુકા પંચાયતની મુલાકાતે આવતા સામાન્ય અરજદારો અને લાભાર્થીઓની સુવિધા માટે વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે.અરજીઓ-ટપાલોના રીસીવિંગ, ડિસ્પેચ અને વિવિધ દાખલાઓ અંગેની પૂછપરછ માટે પંચાયતના પ્રાંગણમાં જ એક વિશેષ ‘હેલ્પ ડેસ્ક’ શરૂ કરાયું છે. સાથોસાથ, વિવિધ ઓનલાઇન સેવાઓ, સરકારી યોજનાઓની ડેટા એન્ટ્રી, વેરિફિકેશન અને તલાટીઓની કામગીરીનું ઓનલાઇન સુપરવિઝન તેમજ મોનિટરિંગ સુદ્રઢ કરવા માટે અત્યાધુનિક ‘કોમ્પ્યુટર લેબ કમ આઈટી સેલ’નું પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, પદાધિકારીઓના સહકાર અને તાલુકા વિકાસ અધિકારી લાલપુર શ્ની કે.આર.ચુડાસમાની પહેલ તથા લોકાભિમુખ કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને પણ લાલપુર પંચાયતની આ શ્રેષ્ઠ અને નવતર પહેલમાંથી પ્રેરણા લઈ પોતપોતાના વિસ્તારમાં આ પ્રકારના પ્રકલ્પો શરૂ કરવા ખાસ સૂચન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!