ગુજરાતધર્મ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૪૯મી રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી

ઝીરો રિસ્ક સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક -૩૧ હજારથી વધુ પોલીસ કર્મીઓ રથયાત્રાની સુરક્ષા સંભાળશે

૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન, ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નિગરાની રાખશે
૧૬ કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ જોડાશે

અમદાવાદ મહાનગરમાં ૬ મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી ૨૩૦ રથયાત્રાઓ શાંતિ અને સલામતિ પૂર્વક પાર પાડવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગ દર્શન આપ્યું. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા આગામી અષાઢી બીજના ૧૬ જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિવિધ સ્થળો જે ૨૩૦ જેટલી રથયાત્રાઓ નીકળે છે તે શાંતિ પૂર્વક, સલામતિ-સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય લોકો રથયાત્રાના દર્શન ઉલ્લાસ ભેર કરી શકે તેમજ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવા પોલીસતંત્રને આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચૂસ્ત વ્યવસ્થાઓ કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ મ્યુનિસીપલ કમિશ્નરને સૂચનાઓ આપી હતી.

શહેર પોલીસતંત્ર ‘ઝીરો રિસ્ક’ અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી ૩૧ હજારથી વધુ પોલીસકર્મીઓની સેવાઓ સાથે આ ૧૪૯મી રથયાત્રા શાંતિ પૂર્વક પાર પડે તે માટે દિવસ રાત જે મહેનત કરી રહ્યું છે તેની તલસ્પર્શી વિગતો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.

આ રથયાત્રામાં ૨૪૦થી વધુ ધાબા પોઈન્ટ, ૬૫ ડ્રોન, ૨૮૦૦ થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નિગરાની રાખશે. યાત્રા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના ૧૫ મેડીકલ ઓફિસર અને ૧૦૦ આરોગ્ય કર્મીઓ, ૩૧ ફાયર વ્હીકલ અને ૨૩૭ ફાયર જવાનો પણ તૈનાત રહેશે.

૧૬ કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં ૧૦૧ ટ્રકો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ જોડાઇને ભક્તિ સભર માહોલ બનાવશે. રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે રથયાત્રા અગાઉ શાંતિ સમિતિની ૬૯ મિટીંગ, મહોલ્લા સમિતિની ૭૯ બેઠક તથા ૧૭૮ જેટલી બેઠકો વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો સાથે શહેર પોલીસે કરી છે.

એટલું જ નહિં, કોમી એકતાને વધુ સુદ્રઢ બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ મેચ, લોકડાયરા અને ઝેન-ઝી સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તેમ પોલીસ કમિશ્નરશ્રીએ જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી જી.એસ.,મલિક, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મ્યુનિસીપલ કમિશ્નર શ્રી બંછાનિધિ પાની, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડો. વિક્રાંત પાંડે, સચિવ શ્રી ડો અજય કુમાર તથા ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી શરદ સિંઘલ સહિતના અધિકારીઓ જોડાયા હતાં.  

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!