જામનગરસ્થાનિક

રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ “નમો મૈત્રી ગોષ્ઠી” અંતર્ગત જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો

મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને આશ્રય આપી માનવતાનું ઉદાહરણ સ્થાપ્યું હતું; એ જ કરુણા અને સેવાભાવ આજના યુવા ડોક્ટરોએ જીવનમાં ઉતારવો જોઈએ

જામનગર :  રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે નમો મૈત્રી ગોષ્ઠી અંતર્ગત મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે ઉષ્માભર્યો અને પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માત્ર સારા ડોક્ટર જ નહીં પરંતુ ઉત્તમ માનવી બનવા માટે પણ પ્રેરિત કર્યા હતા.

તબીબી વ્યવસાય માત્ર એક વ્યવસાય નથી, પરંતુ માનવસેવાનું સર્વોત્તમ સાધન છે. ડોક્ટર તરીકે દર્દીઓને સારવાર આપવાની સાથે સમાજ પ્રત્યેની સંવેદના, કરુણા અને માનવીય મૂલ્યોનું જતન કરવું એટલું જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં નૈતિકતા, શિસ્ત અને સેવા ભાવનાને કેન્દ્રસ્થાને રાખીને કાર્ય કરવાની અપીલ કરી હતી.

જામનગરમાં નિર્માણ પામી રહેલ GCTM (Global Centre for Traditional Medicine) ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી રહ્યું છે. આ કેન્દ્ર સંશોધન, નવીનતા અને જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા પરંપરાગત ચિકિત્સાને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે, જેના કારણે જામનગર વિશ્વના આરોગ્ય ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે. આ માત્ર એક સંસ્થા નથી, પરંતુ ભારતની પ્રાચીન જ્ઞાનપરંપરા, આયુર્વેદ અને માનવકલ્યાણના વિચારોને વિશ્વ સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ છે. જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કાર્ડિયાક કેથેટરાઈઝેશન લેબોરેટરી (કેથ લેબ) વિકસાવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ માટે પણ મેદરૂપ બનશે. તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજ્યમાં માત્ર ૬ થી ૭ મેડિકલ કોલેજો હતી પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ હાલ ગુજરાતમાં ૪૨ મેડિકલ કોલેજ છે.

કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાના સમાચાર સાંભળવા મળે છે, જે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. તેથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને મેડિકલ વિદ્યાર્થીઓએ, તણાવ અને નિરાશાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સકારાત્મક માનસિકતા, સારો વ્યવહાર અને જીવન પ્રત્યેનો આશાવાદી અભિગમ વ્યક્તિને મહાનતા તરફ લઈ જાય છે.

આરોગ્ય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિના ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગીતા આપણને કર્તવ્યનિષ્ઠા, આત્મવિશ્વાસ, સમતાભાવ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેવાની પ્રેરણા આપે છે. વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં ગીતામાં દર્શાવેલા મૂલ્યોને આત્મસાત કરીને સફળતા અને સંતુલિત જીવન તરફ આગળ વધવું જોઈએ. જીવનમાં પડકારો અને અવરોધો આવવા સ્વાભાવિક છે, પરંતુ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક વિચારસરણી જ વ્યક્તિને નવી દિશા અને શક્તિ આપે છે. પોઝિટિવ અભિગમથી કાર્ય કરવાથી વ્યક્તિ પોતાના લક્ષ્યોને સરળતાથી હાંસલ કરી શકે છે તેમજ સમાજમાં પણ સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.

તેમણે જણાવ્યું કે ડોક્ટર માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ દર્દી પ્રત્યેનો સારો વ્યવહાર, સંવેદના અને મીઠી વાણી પણ એટલી જ મહત્વની છે. પોતાની વાણી પર નિયંત્રણ રાખી સૌજન્યપૂર્ણ વર્તન કરનાર વ્યક્તિ જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરે છે.

જામનગરની ધરતી માનવતા અને કરુણાની અનોખી પરંપરાની સાક્ષી છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડના બાળકો યુદ્ધની ભયાનક પરિસ્થિતિઓમાં નિરાધાર બન્યા હતા, ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ બાલાચડી ખાતે તેમને આશ્રય, શિક્ષણ અને માતા-પિતાના સ્નેહ સમાન સુરક્ષા પૂરી પાડી હતી. એ જ કરુણા અને સેવાભાવ આજના ડોક્ટરોએ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ શિક્ષણ, કારકિર્દી નિર્માણ, જીવન મૂલ્યો અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આરોગ્ય મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ, માર્ગદર્શક જવાબો આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને મંત્રીશ્રી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સારી સુવિધાઓ, રહેવા અને અભ્યાસની ઉચ્ચ ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવા બદલ કોલેજના વિદ્યાર્થીઓએ મંત્રીશ્રીને આભાર પત્ર એનાયત કર્યા હતા.

કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી વિજય પોપટ, એમપી શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી ડો.નંદિની દેસાઈ, ડોક્ટરો, અધિકારીશ્રીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!