જામનગર

જામનગરની મુસદ્દારૂપ મતદારયાદી તૈયાર. કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ.

૧૨,૪૧,૦૯૭ મતદારો પૈકી હાલમાં પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરાયો છે જયારે ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રખાયા છે જેમાં અવસાન પામેલા ૪૩,૧૧૨, સ્થળાંતરિત ૮૯,૦૨૯, ગેરહાજર કે મળી ન આવતા ૩૫,૪૫૦ મતદારોનો સમાવેશ થાય છે. જેઓના નામ મતદાર યાદીમાં નથી તેવા મતદારો તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર દ્વારા ‘મતદારયાદી ખાસ સઘન સુધારણાકાર્યક્રમ-૨૦૨૬’ ની વિગતો જાહેર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા SIR આગામી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬’ અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી કલેકટરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી.

શ્રી કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં
મુખ્યત્વે:
* અવસાન પામેલા : ૪૩,૧૧૨
* સ્થળાંતરિત : ૮૯,૦૨૯
* ગેરહાજર/મળી ન આવતા : ૩૫,૪૫૦
* ડુપ્લીકેટ નોંધણી ધરાવતા : ૬૪૩૭ તથા અન્ય ૩,૪૪૯ મતદારોનો સમાવેશ થાય છે.

કલેકટરશ્રીએ જણાવ્યું કે, મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલ સમયપત્રક મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે કે જેના મુજબ  હક્ક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાનો સમયગાળો: તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૧૮/૦૧/૨૦૨૬ રહેશે. ત્યારબાદ તા. ૧૯/૧૨/૨૦૨૫ થી તા. ૧૦/૦૨/૨૦૨૬ દરમિયાન EROs, AEROs અને Asst. AEROs દ્વારા હક્ક-દાવાઓનો નિકાલ કરવામાં આવશે. આ પ્રક્રિયા સંપૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે.

નવા મતદારો માટે અપીલ
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, જે યુવા મતદારોની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ હોય તેઓ ફોર્મ નં. ૦૬ ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તેમજ નામ કે વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. ૦૮ ભરી શકાશે. આ કામગીરીમાં સહકાર આપવા માટે તેમણે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને અનુરોધ કર્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!